Connect with us

Updates

વડોદરામાં સૌથી લાંબા ૩.૫૦ કી.મી. ના નવીન ફ્લાય ઓવર “અટલ બ્રિજ” નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

Published

on

ATAL BRIDGE BARODA

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા બે દાયકાથી ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેને આધાર બનાવીને સરકાર સમાજના છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડીને સુશાસન થકી સરકારની યોજનાઓના લાભો પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે સુશાસનને કાર્યસંસ્કૃતિમાં ઉતાર્યું છે અને નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તેવી સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે.

તેમણે કહ્યું કે આઝાદીના અમૃતકાળે વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં સરકાર મક્કમ કદમે આગળ વધી રહી છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વડોદરામાં ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેઇના જન્મ દિન એવા સુશાસન દિવસે સમગ્ર ગુજરાતમાં શહેરી વિસ્તારમાં રૂ.૨૩૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા સૌથી લાંબા ૩.૫૦ કી.મી.ના નવીન ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું.મુખ્ય મંત્રીએ સમા વિસ્તારમાં રૂ.૬૪.૮૨ લાખના ખર્ચે નિર્માણ થયેલ ઉદ્યાનનું લોકાર્પણ કરવા સાથે વડોદરાનું ગૌરવ એવી ઐતિહાસિક ઈમારત ન્યાયમંદિરનું વડોદરા મહાનગરપાલિકાને હસ્તાંતરણ કર્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી. દ્વારા પ્રકાશિત “Majestic Vadodara – page from the Past” પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. આ અવસરે વડોદરાના વૈભવ વારસાને ઉજાગર કરતા કલાધર વિદ્યાર્થીઓએ દોરેલા ચિત્રો મુખ્ય મંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા. તેમણે બ્રિજની મુલાકાત પણ લીધી હતી.

વડોદરાવાસીઓએ તો રંગ રાખી દીધો છે, એવા હર્ષોદ્દગાર સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડોદરા સહિત ગુજરાતની જનતાએ અમારા ઉપર જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે. ખાસ તો નરેન્દ્રભાઇ મોદી ઉપર લોકોએ અપાર પ્રેમ વરસાવ્યો છે. જનશક્તિનો આ વિશ્વાસ અમારી ટીમ ક્યારેય તૂટવા નહીં દે, તેની જવાબદારી અમે લઇએ છીએ.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને સીએમ ડેશ બોર્ડ સાથે જોડી તેનું મોનિટરિંગ કરવાનું શરૂ કર્યું છે. જેથી શહેરીજનોને મુશ્કેલીઓ ઓછી પડે તેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. નગર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લઘુત્તમ પ્રયત્નોથી સરકારની સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એ જ સુશાસન છે.

આ માટે રાજ્ય સરકાર એક ફેમિલી કાર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે, તેની ભૂમિકા આપતા પટેલે જણાવ્યું કે, આ ફેમિલી કાર્ડ ધરાવતા લાભાર્થી પરિવારે એક યોજનાઓ લાભ લીધો હોય ત્યારે સરકારી કચેરીમાં રજૂ કરેલા દસ્તાવેજ અન્ય યોજના માટે માન્ય રહે તેવી વ્યવસ્થા વિકાસવવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની સ્થિતિને ધ્યાને રાખીને જ અમારી સરકારે આયુષ્યમાન કાર્ડ ધારકોને મળતી રૂ. ૫ લાખ સુધીની વિના મૂલ્યે સારવારમાં મર્યાદા વધારીને રૂ. ૧૦ લાખની કરવામાં આવી છે. રાજ્યના દર્દીઓની સમસ્યાને સંવેદનાપૂર્વક ઉકેલીને તાલુકા કક્ષાએ ડાયાલિસીસ સેન્ટર અને જિલ્લા કક્ષાએ કિમોથેરાપીની સુવિધા શરૂ કરવામાં આવી છે.

વિદેશી રોકાણકારો માટે આજે પણ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ પસંદગીનું રાજ્ય છે, એમ કહેતા પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસ અને મૂડી રોકાણને કારણે ગુજરાત રોજગારી આપવામાં સમગ્ર દેશમાં સર્વ પ્રથમ છે.

જે કહેતું તે કરવું અને જે કરી શકાય હોય એટલું કહેવું એવા સુશાસનની કાર્યસંસ્કૃતિ અમને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વારસામાં મળી છે. જેના પરિણામે ગુજરાત આજે તમામ ક્ષેત્રેમાં દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે. ગુજરાતને ડબલ એન્જીન સરકારનો ભરપૂર લાભ મળી રહ્યો છે. રાજ્યમાં માર્ગો છેવાડાના ગામ સુધી પહોંચાડ્યા છે. એટલું જ નહીં, ડબલ લેનને ફોર લેન, ફોર લેનને સિક્સ લેન માર્ગમાં રૂપાંતરિત કર્યા છે. પૂલો, અન્ડર પાસ, રેલ્વે ઓવર અને અન્ડર બ્રિજની આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થઇ રહી છે.

પ્રારંભમાં મેયર અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાએ સૌનો આવકાર કરતા જણાવ્યું કે, વડોદરા શહેરની ટ્રાફિક સમસ્યા આ નવીન બ્રિજથી હલ થશે.આ બ્રિજને સાકાર કરવા માટે રૂ.૧૦૦ કરોડ ફાળવીને તેના કામને વેગ આપવા માટે તેમણે મુખ્યમંત્રીશ્રી તેમજ ભાજપ રાજ્ય અધ્યક્ષ સી.આર.પાટીલનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના પીઠબળથી વડોદરાના અગત્યના વણ ઉકેલ્યા પ્રશ્નો હલ થયા છે. તેમણે ચુંટણીમાં ભવ્ય વિજયની ભેટ આપવા માટે નગરજનોનો આભાર માન્યો હતો અને અટલજી અટલ થે સદૈવ અટલ રહેંગે ની પંક્તિઓ સાથે સુશાસન દિવસ નિમિત્તે પૂર્વ વડાપ્રધાન અટલજીને હાર્દિક અંજલિ આપી હતી. સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ પણ વાંચો: રેસિપી / તમારા મનપસંદ શાકભાજી સાથે બનાવો હેલ્ધી વેજ પુલાવ, નોંધી લો આ સરળ રીત

મુખ્યમંત્રી જ્યારે સયાજી નગરગૃહમાં પહોંચ્યા ત્યારે મહિલાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની પ્રજાની અપાર લોકચાહનાના પરિણામે મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ બીજી વખત સંભાળવા બદલ આ અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ,  મનિષાબેન વકીલ, ચૈતન્ય દેસાઈ ,પૂર્વ ધારાસભ્યો,પૂર્વ મેયરઓ, મહાનગર પાલિકા સમિતિ અધ્યક્ષો,નગર સેવકો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કાર્યકારી કલેકટ તુષાર ભટ્ટ, મ્યુનિસીપલ કમિશનર બંછાનિધિ પાની સહિત વિશાળ સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું સફળ પરીક્ષણ

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending